આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…
આપણા આ જંબુદ્વીપના, ભરતક્ષેત્રમાં, પૂર્વદેશની ચંદ્રાનના (ચંદ્રપુરી) નામની નગરીમાં મહાસેન નામક રાજા હતા. તેઓ અત્યંત દાનવીર હતા. તેઓની લક્ષ્મણા નામક પટ્ટરાણી હતી.

આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું ચરિત્ર

આપણા આ જંબુદ્વીપના, ભરતક્ષેત્રમાં, પૂર્વદેશની ચંદ્રાનના (ચંદ્રપુરી) નામની નગરીમાં મહાસેન નામક રાજા હતા. તેઓ અત્યંત દાનવીર હતા. તેઓની લક્ષ્મણા નામક પટ્ટરાણી હતી.

પ્રભુનું ચ્યવનઃ-

પદ્મનાભ મુનિનો જીવ અનુત્તર વિમાનથી થતા પોષ વદ - ૧૨ના અનુરાધા નક્ષત્રમાં, ચ્યવી લક્ષ્મણાની  કુક્ષિમાં અવતર્યો. ચંદ્રના ચિહ્નવાળા, શ્વેતવર્ણી પુત્રને લક્ષ્મણા દેવીએ જન્મ આપ્યો. બાળકની ચંદ્ર જેવી સૌમ્ય કાંતિ હતી તેથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનનો દોહદ થયો હતો તેથી બાળકનું નામ ચંદ્રપ્રભ રાખવામાં આવ્યું.
૧૫૦ ધનુષ્યની ઊંચાઇ ધરાવતા, યૌવનને પ્રાપ્ત ચંદ્રપ્રભકુમારનું અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. ચંદ્રપ્રભકુમાર અઢીલાખ પૂર્વના થયા ત્યારે પિતાએ રાજયગાદી કુમારને સોંપી. ચોવીશ પૂર્વાંગ સહિત સાડા છ લાખ પૂર્વ પર્યંત ચંદ્રપ્રભ રાજાએ રાજયસંપ્રદા ભોગવી.

સંયમ સ્વીકારઃ-

દીક્ષા સમય સમીપ જાણી ચંદ્રપ્રભ રાજા ‘મનોરમા’ નામક શિબિકા દ્વારા સહસ્રામ્રવન ઊદ્યાનમાં આવ્યા. પોષ વદ-૧૩ના અનુરાધા નક્ષત્રમાં દિવસના પાછલા પહોરે, છઠ્ઠના તપ સહિત, ૧૦૦૦ રાજાઓ સહિત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે પદ્મખંડ નગરમાં સોમદત્ત રાજાના ગૃહે પરમાન્ન (ખીર)થી પારણું થયું. મૌનધારી, એકાકી, મમતા રહિત પ્રભુ છદ્મસ્થપણે ૩ માસ પર્યંત વિચરતા રહ્યા.

કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ-

વિચરતા-વિચરતા પ્રભુઃપુનઃ સહસ્રામવનમાં પધાર્યા. પુન્નાગ (નાગ) વૃક્ષ નીચે ધ્યાનરત બન્યા. ફાગણ વદ - ૭ ના, અનુરાધા નક્ષત્રમાં, છઠ્ઠ તપ સહિત એવા પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. દેવનિર્મિત સમવસરણમાં ૨૫૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન ઊપર બેસી પ્રભુએ અશુચિ ભાવનાને વર્ણવતી ધર્મદેશના આપી. 
 દિન્ન (દત્ત) પ્રધાન ૯૩ ગણધરો થયા. સુમના નામક સાધ્વી પ્રર્વિતની બની.
પ્રભુના શાસનમાં લીલાવર્ણવાળો, હંસના વાહનવાળો, વિજય નામક યક્ષ શાસનદેવ બન્યો અને પીળાવર્ણવાળી, વરાલકના વાહનવાળી ભૃકુટિ મતાંતરે જવાળા નામક યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુને ૯૩ ગણધર, ૨,૫૦,૦૦૦ સાધુઓ, ૩,૮૦,૦૦૦ સાધ્વીઓ, ૨,૫૦,૦૦૦ શ્રાવકો, ૪,૯૧,૦૦૦ શ્રાવિકાઓ, ૧૦,૦૦૦ કેવળજ્ઞાની, ૮,૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૨,૦૦૦ ચૌદપૂર્વી, ૧૪,૦૦૦ વૈક્રિયલબ્ધિધારી, ૭,૬૦૦ વાદી થયા. ૩ માસ, ૨૪ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ પર્યત પ્રભુ કે કેવળજ્ઞાન સહિત વિચરતા રહ્યા.

નિર્વાણ પ્રાપ્તિ ઃ-

નિર્માણકાળ સમીપ જાણી સમ્મેતશિખર પર્વત ઊપર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન વ્રત ગ્રહણ કરી, ભાદરવા સુદ - ૭ના, જયેષ્ઢા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
અઢી લાખ પૂર્વ કૌમારાવસ્થામાં, ચોવીશ પૂર્વાંગ સહિત સાડા છ લાખ પૂર્વ રાજયાવસ્થામાં, ૨૪ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ શ્રમણાવસ્થામાં, સર્વ મળી ૧૦ લાખ પૂર્વનું  આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી સુપાર્શ્વ જિનના નિર્વાણ બાદ ૯૦૦ ક્રોડ (કરોડ) સાગરોપમ થવા પર શ્રી ચંદ્રપ્રભુ સ્વામી નિર્વાણ પામ્યા.