આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                                           ધર્મમાં ધ્યાન વિચાર

લે. પૂ.આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મહારાજ

આત્માનો વિકાસ કે આદ્યાત્મિક જીવનની ઉન્નતિ સાધવાનો સરલ અને સાચો ઉપાય એ છે કે સર્વજ્ઞ કથિત તત્ત્વોને હાર્દિક આદરભાવ અને શ્રદ્ધાપૂર્વક જાણવા, સમજવા અને આચરણમાં મૂકવા.

કઠિનમાં કઠિન ગ્રંથોનાં ગૂઢ રહસ્યો પણ તેના પ્રતિ સાચી જિજ્ઞાસા અને અનન્ય આદરભાવ પ્રગટાવવાથી જાણી શકાય છે, અથવા તેવા પ્રકારના જ્ઞાની-ગુરુદેવનો શુભ સમાગમ પ્રાપ્ત થાય છે.

શુભ-ધ્યાનની અનિવાર્યતા ઃ-

ધ્યાન આત્માની જ એક વિશિષ્ટ શક્તિ છે. આત્માના સ્થિર-નિશ્ચલ-અધ્યવસાય-પરિણામને ધ્યાન કહેવામાં આવે છે. તે શુભ અને અશુભ એમ બે પ્રકારનું હોય છે.

દુઃખમય સંસારના પરિભ્રમણમાં કે આનંદમય શુદ્ધ આત્મસ્વરૃપના પ્રગટીકરણમાં જીવવું અશુભ કે શુભ ધ્યાન જ અગત્યનો ભાગ ભજવે છે.

અશુભ-ધ્યાનથી સંસારવર્ધક કર્મોનું સર્જન થાય છે, અને શુભ ધ્યાનથી પૂર્વસંચિત પાપકર્મોનો ક્ષય (નિર્જરા) થવાથી આત્માની શુદ્ધિ થાય છે.

રાગ-દ્વેષ અને મોહાદિની પ્રબળતાને લઈને ધ્યાન અશુભ બને છે. અને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય આદિ સદ્દગુણોને લઈને ધ્યાન શુભ બને છે.

જીવ અનાદિકાળથી અશુભ ધ્યાન કરતો આવ્યો છે, માટે જ એનું સંસાર-પરિભ્રમણ ચાલુ રહ્યું છે. આ પરિભ્રમણના દુઃખથી છૂટકારો મેળવવો હોય તો જીવે પોતાના ધ્યાનને શુભ બનાવવા પુરુષાર્થ કરવો જરૃરી છે.

અશુભ ધ્યાનની જેટલી તાકાત પાપકર્મોને સર્જન કરવાની છે, તેનાથી કેટલીયે ગણી અધિક તાકાત શુભ ધ્યાનની જન્મ-જન્માંતરનાં સંચિત સર્વ-પાપોને સમૂળ ખતમ કરી દેવાની છે.

'અનાદિના અશુભ-ધ્યાનને શુભમાં પરિવર્તન કરવું એ જ માનવનું પરમ કર્તવ્ય છે.'

એમાં જ માનવજીવનની સાર્થકતા રહેલી છે. કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ પછી અને શિવપદની  પ્રાપ્તિની પૂર્વ ક્ષણો સુધી પણ 'ધ્યાનની ઉપયોગિતા છે, તો છદ્મસ્થ-દશામાં એક ક્ષણ પણ શુભ-ધ્યાન વિનાની ન જાય, તેની કાળજી સતત આપણે સૌએ રાખવી અત્યંત જરૃરી છે.

જૈન દૃષ્ટિએ 'ધ્યાન-સાધના'

જૈનશાસનમાં, તેના આગમગ્રંથોમાં અને તેની દૈનિક ધર્મ-આરાધના અને વિશિષ્ટ-અનુષ્ઠાનોમાં ધ્યાન સાધનાને કેટલું મહત્ત્વભર્યું સ્થાન-માન છે ? તેનો સંક્ષેપમાં અહીં વિચાર કરીશું.

ધ્યાનની અગત્યતા, વ્યાપકતા અને પ્રારંભથી અન્ત સુધીની વાસ્તવિક પ્રક્રિયા જિનાગમોમાં અને પ્રકીર્ણ-ગ્રંથોમાં જૈનાચાર્યોએ જે રીતે રજૂ કરી છે, તે રીતે બીજે ક્યાંય જોવા મળતી નથી.

ધ્યાનશતકમાં જણાવ્યું છે કે, 'આશ્રવના દ્વારો એ સંસારનો માર્ગ છે, અને સંવર-નિર્જરાનાં દ્વારો એ મોક્ષનો માર્ગ છે, મોક્ષનો પરમ ઉપાય' 'તપ' છે, અને તપમાં ધ્યાન સૌથી મોખરે છે.

તપના છ બાહ્ય અને છ અભ્યંતર એમ બાર પ્રકાર છે. તેમાં ધ્યાનની મુખ્યતા છે. શેષ ભેદો ધ્યાનની જ શુદ્ધિ અને વૃદ્ધિમાં હેતુભૂત બને છે. જૈન શાસનનું પ્રત્યેક અનુષ્ઠાન એ મોક્ષનો હેતુ છે, એનું કારણ એ છે કે તે તપપૂર્વકનું હોય છે.

જિનેશ્વર ભગવંતોએ માત્ર દેહદમનને નહીં, પણ ઈચ્છાઓના નિરોધને તપ કહ્યો છે.

આ રીતે તપ અને યોગ (ધ્યાન) બંનેનું લક્ષણ અપેક્ષાએ સમાન હોવાથી બંનેની અભિન્નતા છે. ધ્યાન મન, વચન અને કાયા ત્રણેની શુદ્ધિ અને સ્થિરતાથી થાય છે.

ચિત્તશુદ્ધિ માટે પ્રથમ કાયા અને વચનની શુદ્ધિ અનિવાર્ય છે, એ વિના વાસ્તવિક રીતે મનની શુદ્ધિ કે સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી.

જૈન દર્શનમાં બતાવેલો અહિંસા, સંયમ અને તપરૃપ ધર્મ કે જ્ઞાન, દર્શન, ચારિત્રરૃપ ધર્મ એ ત્રણે યોગોની શુદ્ધિ અને સ્થિરતાનો સંપાદક છે.

જૈન-દર્શને બતાવેલી વ્યવહાર અને નિશ્ચય, ઉભગ્લક્ષી મોક્ષ-સાધના એ ત્રણે યોગો (માનસિક, વાચિક અને કાયિક)ની શુદ્ધિ અને સ્થિરતાને સમાન રીતે સમર્થન આપે છે.

મનને અશુદ્ધ અને ચંચલ બનાવવામાં જેમ કાયા અને વચનની પ્રવૃત્તિ અગત્યનો ભાગ ભજવે છે, તેમ મનની શુદ્ધિ અને સ્થિરતામાં પણ કાયા અને વાણી પોતાનો ભાગ કેમ ન ભજવે ?

સામાયિકની મહાન સાધનામાં સર્વસાવદ્ય (પાપ) વ્યાપારોનો ત્યાગ અને નિરવદ્ય (શુભ) વ્યાપારોનું સેવન  ત્રણ યોગ અને ત્રણ કરણથી કરવાનું સ્પષ્ટ વિધાન જૈનશાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.

અષ્ટ પ્રવચન-માતાનું પાલન એ સામાયિકની પ્રતિજ્ઞાનો જ વિસ્તાર છે, તેના દ્વારા મન, વચન અને કાયા ત્રણેની શુદ્ધિ થાય છે.

અષ્ટ પ્રવચન-માતા અને યોગ-સાધના ઃ

૧) ઈર્યા સમિતિ, ર) ભાષા સમિતિ, ૩) એષણા સમિતિ, ૪) આદાનભંડમત્ત-નિક્ષેપણા સમિતિ, પ) પારિષ્ઠાપનિકા સમિતિ, ૬) મનોગુપ્તિ, ૭) વચન ગુપ્તિ અને ૮) કાયગુપ્તિ.

આ આઠે પ્રવચન-માતાઓમાં 'મનોગુપ્તિ'એ સાધ્ય છે, અને શેષ સાત માતાઓ તેનાં સાધન છે.

સર્વ પ્રકારનાં ધ્યાનનો સમાવેશ આઠે પ્રવચન માતાઓમાં પણ થઈ જાય છે.

(૧) ઈર્યા-સમિતિથી પ્રાણથી શુદ્ધિ થાય છે. જયણાપૂર્વક માત્ર સાડા ત્રણ હાથ સુધી નીચી દૃષ્ટિ રાખી કોઈ જીવ મારા પગ તલે આવી દબાઈ ન જાય તેની સાવધાની સાથે ધીમી ગતિએ ચાલવું તે ઈર્યા સમિતિ છે.

(ર) ભાષા સમિતિ અને વચન-ગુપ્તિથી વાણીની શુદ્ધિ થાય છે. (હિત-મિત બોલવું કે જરૃરિયાત વિના ન બોલવું)

(૩) એષણા સમિતિથી આહારશુદ્ધિ થાય છે. (દોષરહિત ભિક્ષા વડે ભોજન કરવું.)

(૪) આદાનભંડમત્ત નિક્ષેષણા સમિતિથી કાયાની અને દૃષ્ટિની શુદ્ધિ થાય છે. (કોઈ પણ ચીજ લેતા-મૂકતાં કે આપતાં ઉતાવળથી નહીં, પણ દૃષ્ટિથી બરાબર જોઈ તપાસી કોઈ જીવને પીડા-દુઃખ ન થાય, તેવી કાળજીપૂર્વક લેવી-મૂકવી કે આપ-લે કરવી.)

(પ) પારિષ્ઠાપનિકા સમિતિથી મળ-મૂત્ર વિસર્જનની શુદ્ધિ થાય છે. (સ્થંડિલ-માત્રું વગેરેની શંકા થતાંની સાથે જ નિર્દોષ-જીવજંતુરહિત ભૂમિ ઉપર તેને જયણાપૂર્વક પરઠવવું.)

(૬) કાયગુપ્તિથી કાયાની-કાયાના સમગ્ર અવયવોની શુદ્ધિ થાય છે. ભાષા સમિતિ અને વચનગુપ્તિથી વાણીની શુદ્ધિ થાય છે. શેષ સમિતિ અને કાયગુપ્તિથી કાયાની અને તેનાં જુદા જુદા અંગોની પણ શુદ્ધિ થાય છે તેના ફળરૃપે અને મનોગુપ્તિ દ્વારા મનની શુદ્ધિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે.

સમિતિ  સમ્યક્ પ્રવૃત્તિ-સ્વરૃપ છે અને ગુપ્તિ, સમ્યક્ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય સ્વરૃપ છે. આ રીતે  બતાવેલી મોક્ષમાર્ગની સાધના ધ્યાન અને યોગ સ્વરૃપ જ છે. વર્તમાન ચતુર્વિધ સંઘમાં યથાશક્તિ તેનો અભ્યાસ અને તેની ઉપાસના ચાલુ છે.

માત્ર તેનાં રહસ્યો તરફ આપણું ધ્યાન દોરાય, અંતરનો આદરભાવ ઉલ્લાસિત થાય અને મોક્ષના લક્ષ્યપૂર્વક તેના માટે સક્રિય પુરુષાર્થ થાય. તો વર્તમાનમાં પ્રાપ્ત કરી શકાય, તેટલી કક્ષા સુધીની ચિત્તપ્રસ્ન્નતા અને આત્મ-સમાધિ આપણે આ જીવનમાં પણ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ.

ધ્યાનની સિદ્ધિ ઃ ધ્યાન-યોગની સાધનામાં પ્રગતિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છતા સાધકો માટે પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે 'યોગબિન્દુ'માં જે છ ઉપાયો બતાવ્યા છે, તેને દરેક સાધકોએ પોતાના જીવનમાં લાવવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, જેથી સાધનાની સિદ્ધિ સરળ બને છે.

(૧)   ઉત્સાહ ઃ ધ્યાન કે યોગ વિષયક જ્ઞાન અને તેની પ્રક્રિયા વગેરેના અભ્યાસ માટે હૃદયનો ઉત્સાહ અખંડિત રાખવો.

(ર)    નિશ્ચય ઃ ધ્યાન કે યોગ-સાધના કરવાનો સંકલ્પ-નિશ્ચય સુદૃઢ હોવો જોઈએ. 'આ સાધના હું અવશ્ય કરીશ' એવો અડગ નિર્ધાર કરવો.

(૩)   ધૈર્ય ઃ સાધનાકાલમાં ગમે તેવા સંકટ, વિઘ્નો આવે છતાં સાધનાથી ચલિત થવું ન જોઈએ.

(૪) સંતોષ ઃ આત્માના સહજ સ્વભાવનુ જ એકમાત્ર લક્ષ્ય રાખી બાહ્ય સ્પૃહાને ધરમૂળથી નાબૂદ કરવી જોઈએ.

(પ)   તત્ત્વદર્શન ઃ ધ્યાનયોગ એ જ પરમાર્થ-સારભૂત છે- એવી સચોટ પ્રતીતિ-શ્રદ્ધા કેળવવી જોઈએ.

(૬)   જનપદત્યાગ ઃ ગતાનુગતિક લોક વ્યવહારનો ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે-

'આગમ-શાસ્ત્રાદિના અભ્યાસ વડે, અનુમાન-યુક્તિ વડે અને અવિરત ધ્યાનાભ્યાસ દ્વારા પોતાની પ્રજ્ઞાનો પ્રયોગ-ઉપયોગ કરનાર સાધક ઉત્તમ (વિશુદ્ધ-ભાવયુક્ત) યોગનો લાભ અવશ્ય પામી શકે છે.'

ધ્યાનનો મહિમા ઃ ધ્યાન મોક્ષનું પ્રધાન અંગ-કારણ છે. સંસારના હેતુઓ મિથ્યાત્વ, આશ્રવ આદિ છે, તેના પ્રતિપક્ષી ધર્મધ્યાન અને શુકલધ્યાન છે.

સંવર અને નિર્જરા મોક્ષનો માર્ગ છે, તે બંનેનું કારણ તપ છે, તપ વડે સંવર અને નિર્જરા થાય છે. ધ્યાન એ તપનો પ્રધાન-અંતરંગ હેતુ છે. માટે ધ્યાનને મોક્ષનું પ્રધાન કારણ કહ્યું છે.

આત્મા સાથે લાગેલા કર્મમલને ધોઈને સાફ કરવા માટે ધ્યાન નિર્મળ જળ સમાન છે. કર્મ-કલંકને બાળીને ભસ્મ કરવામાં ધ્યાન-અગ્નિનું કાર્ય કરે છે, કર્મપંકને સુકાવી નાખવા માટે ધ્યાન પ્રતાપી સૂર્યની ગરજ સારે છે.

ધ્યાન દ્વારા જેમ મન, વચન અને કાયયોગનો તાપ, શોષ અને ભેદ-નાશ થાય છે, તેમ ક્લિષ્ટ કર્મોનો પણ ધ્યાન વડે તાપ, શોષ અને નાશ થાય છે. ધ્યાન અને તેની વૃદ્ધિ કરનારા અનશનાદિ તપ વડે કર્મરોગની ચિકિત્સા થાય છે.

ઘણા સમયથી એકત્રિત કરેલો કાષ્ઠસમૂહ પવનના ઝપાટા સાથે લાગેલા અગ્નિ વડે જેમ થોડીવારમાં બળીને ભસ્મ થઈ જાય છે તેમ અનેક ભવોનાં સંચિત પુષ્કળ કર્મો પણ ધ્યાનાગ્નિ વડે થોડીવારમાં જ બળીને રાખ થઈ જાય છે. નાશ પામી જાય છે.

પ્રચંડ પવનના વેગથી વાદળાંઓ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. તેમ કર્મરૃપ વાદળદળ પણ ધ્યાનરૃપ વાયુના વેગથી પળવારમાં વિલય પામી જાય છે. ધ્યાની આત્મા કષાયજન્ય ઈર્ષા, વિષાદ, શોક-સંતાપ આદિ માનસિક દુઃખોથી કદાપિ પીડા પામતો નથી. અનુકૂળ-પ્રતિકૂળ ગમે તેવી પરિસ્થિતિમાં તે પ્રસન્નચિત્ત અને પ્રમુદિત રહી શકે છે.

આ છે ધ્યાન-સાધનાનો મહિમા...!