આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                        મનને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવાના ઉપાયો ક્યાં ?

મિ. શાહ કેમ છે ? એક પરિચિત પૂછે છે અને શાહ સાહેબ કહેછે એમ લાગે છે કે હું ખૂબ થાકેલો અને માંદો છું. કામમાં મન ચોંટતું નથી. નથી ખોરાક બરાબર પચતો કે નથી રાત્રે ઘસઘસાટ ઊંઘ આવતી. મિ. શાહે આફતોનું આખું પોટલું એક મિનિટમાં ખોલી નાખ્યું !

મિસિસ આરતીને એમની સાહેલીએ તબિયત બાબતે પૂછ્યું એટલે એમણે બળાપો ઠાલવતા કહ્યું કે મારા નસીબમાં સુખ જ નથી ! વારંવાર નોકરીઓ બદલવી પડે છે. એટલે કામમાં મૂડ નથી હોતો. જ્યોતિષિઓને જન્મપત્રિકા બતાવતી રહું છું. પણ હું ક્યારે સુખી થઈશ એની ચોક્કસ આગાહી કોઈ કરતું નથી.

માણસ પોતાના આરોગ્ય અને માનસિક સ્વસ્થતાની વકીલાત કરવામાં સૌથી કમજોર વકીલ છે. જો તમે તમારી દુર્બલતા, કમજોરી, બગડેલા આરોગ્ય કે મારા નસીબમાં સુખ જ નથી ! વારંવાર નોકરીઓ બદલવી પડે છે એટલે કામનો મૂડ નથી હોતો. જ્યોતિષિઓને જન્મપત્રિકા બતાવતી રહું છું, પણ હું ક્યારે સુખી થઈશ એની ચોક્કસ આગાહી કોઈ કરતું નથી !

માણસ પોતાના આરોગ્ય અને માનસિક સ્વસ્થતાની વકીલાત કરવામાં સૌથી કમજોર વકીલ છે. જો તમે તમારી દુર્બલતા, કમજોરી, બગડેલા આરોગ્ય કે ખરાબ થયેલા મૂડને જ મહત્વ આપી નિસાસા નાખ્યા કરશો તો નથી તમને તમારું તન કે મન મદદરૃપ થવાનું કે નથી ભગવાન સહાય કરવાનો. ભગવાનને તમે પિતા ગણો તો ક્યો બાપ પોતાનું સંતાન નિર્બળ હોવાનો બળાપો વ્યક્ત કરે એ પસંદ કરશે ?

માણસ પોતાના મન આગળ પણ હારે છે અને તન આગળ પણ ! માણસે પોતાને કમજોર બનાવનાર વિચારો અને અશાન્તિ સર્જનાર વૃત્તિઓ સામે લડતા શીખવું જોઈએ. નિરાશાજનક વિચારો માણસની સહજ રીતે સ્વસ્થ રહેવાની વૃત્તિને કચડી નાખે છે. એટલે તમે ભયગ્રસ્ત છો, ચિંતાગ્રસ્ત છો, રોગગ્રસ્ત છો, એવા વિચારોના યજમાન બનશો. તમારા આ બધા યજમાનો તમારું સત્વ અને સ્વત્વ લૂંટીને તમને રંક અને માયકાંગલા બનાવી દેશે. આરોગ્યની નિર્મળ સરિતામાં અમર્યાદિત ખાનપાન અને વિઘાતક કચરો ઠાલવીને તેને ભ્રષ્ટ કરીએ છીએ. માણસ જેમ-જેમ રોગો વિશે વધારે ને વધારે જાણતો થયો, તેમ-તેમ રોગની ચિંતાએ તેને વધુ રોગી બનાવ્યો છે.

માણસ દિવસે દિવસે પોતાના જીવનમાંથી શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. પરિણામે આરોગ્યને બદલે રોગના સબળતાને બદલે દુર્બળતાના, માનસિક સ્વસ્થતાને બદલે અસ્વસ્થતાના, પ્રસન્નતાને બદલે ઉદાસીના વિચારોમાં ગૂંચવાયેલો રહે છે. ઈર્ષ્યા, દ્વેષ, વેરવૃત્તિ, લોભ, અસંતોષ, તિરસ્કાર, કુટેવો વગેરે આપણા હિતશત્રુ કંસે મોકલેલી પુતનાનો છે. આપણામાં કૃષ્ણનો વિવેક નથી એટલે યશોદાને બદલે પૂતળાનું દૂધ પીવા તૈયાર થઈએ છીએ.

માણસનું જીવન ચરિત્ર પહેલાં મનમાં લખાય છે, પછી તનમાં અને છેલ્લે આપણે એને શબ્દબદ્ધ કરીએ છીએ. મન જો સાત્વિકતાથી છલકાતું હશે તો જીવન પણ સાત્વિકતાનો ઝરો બનશે અને ગમે તેવી વિષમ કે વિપરીત પરિસ્થિતિમાં પણ તમે હતાશ નહીં થાઓ. જીવનને જ આપણે કેવળ 'કામવૃક્ષ' ન ગણીએ તો એ કલ્પવૃક્ષ બનવા તૈયાર જ છે ! એટલે મનમાં જો વિકૃતિનું ચિત્ર રચશો તો પછી સંસ્કૃત કે સંસ્કૃતિ સંપન્ન બનવાનું તમારે માટે મુશ્કેલ બનશે. મનને વિષદ્રવ્યોની ઉત્પાદક ફેકટરી બનાવશો તો તમે જાત અને જગત બંને માટે હાનિકારક પૂરવાર થશો. માણસ પોતાની સર્વાધિક શક્તિ બહારથી સુંદર દેખાવા માટે ખર્ચે છે તેને બદલે આંતરિક ખૂબસૂરતીની અભિવૃદ્ધિ માટે ખર્ચે તો તેનું જીવન પવિત્રતા અને પ્રસન્નતાનો દિવ્યોત્સવ બની જાય. મન એ મૂળ છે, એને શુદ્ધ પાણીથી લીલુંછમ રાખવાને બદલે આપણે પાંદડા અને ડાળીઓને લીલીછમ રાખવાની કોશિશ કરીએ છીએ. 'સીખે જીવન જીને કી કલામાં' તેના લેખક શશીકાન્ત સદૈવે મનને દુરસ્ત રાખવાના કેટલાક ઉપાયો સૂચવ્યા છે, જેનો સારસંક્ષેપ ધ્યાનમાં લેવા જેવો છે.

u  તમારી જાત વિશે (ઉન્નત બનવા માટે) વિચારતા રહો. એ વિચારો કે દિવસ દરમ્યાન તમે આનંદી અને સંતુષ્ટ રહેવા શું કર્યું ?

u  સુરૃચિપૂર્ણ જીવન જીવો. મર્યાદામાં રહી ગમતું ભોજન આરોગો, ગમતાં વસ્ત્રો પહેરો અને મનગમતો પ્રવાસ કરો. ગમતા દોસ્તો સાથે સમય વિતાવો.

uકાર્યોનો ઢગલો ન થવા દો. કાર્ય પૂરાં કરવાનું સરળ સમયપત્રક બનાવો અને જવાબદારી સાથે જે તે કાર્યને ન્યાય આપો.

uજીવનને ઘરેડમાંથી મુક્ત બનાવો નહીં તો મન કંટાળવા માંડશે, ઘર કે ઓફિસના કામોને 'રૃટિન' ન બનાવો, કામની શૈલી બદલતા રહો અને ઉચિત વિરામ રાખો.

u  મૂડ બદલવા માટે, આસાપાસનું વાતાવરણ બદલવા માટે મહિનામાં એક-બે દિવસ ક્યાંક ફરી આવવાનું આયોજન કરો જેથી નવું વાતાવરણ મળે અને મનને તાજગી તથા શાન્તિ મળે.

u  મનગમતું સંગીત, પ્રાર્થના, ભજનકે પ્રેરક વ્યાખ્યાન સાંભળો. એનાથી તમારી માનસિક એકલતા દૂર થશે. મન મૂકીને હસો એ તો સુંદર, પણ ક્યારેક મન મૂકીને એકાંતમાં રડી લેવાની કે અશ્રુ સારવાની ઈચ્છા થાયતો તેમ કરવામાં પણ સંકોચ ન રાખશો.

u  નશો તથા નશાકારક વસ્તુઓ કે તમાકૂ, બીડી, સિગરેટ, પાન-મસાલા વગેરે આદત બની માણસને ગુલામ બનાવી તેના આરોગ્યને હાનિ પહોંચાડે છે. એટલે તેમનાથી બચવાની કોશિશ કરો.

u  મનોરંજનથી મન હળવાશ અનુભવે છે એટલે હરવા-ફરવાનું, મિત્રો સાથે રમવાનું આનંદદાફક નીવડશે.

u  ઊંડા શ્વાસ, વ્યાયામ અને પ્રાણાયામ વગેરે દ્વારા મન હળવાશ અને તાજગી અનુભવે છે. ઉર્જાનો સંચાર થાય છે અને સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે, તનાવ દૂર થાય છે.

માણસ જીવનમાંથી ઘટનાઓને સાનુકૂળતા કે પ્રતિકૂળતાના માપદંડથી જ મૂલવે છે એટલે કાંતો ક્ષણિક સુખ અથવા દુઃખ અનુભવે છે. ઘટનાઓને કેવળ ઘટના તરીકે જોવાનો દ્રષ્ટિકોણ રાખીએ તો દુઃખી થવાનો વારો નહીં આવે. પહેલી નજરે સુખદ લાગતી ઘટના પછીથી દુઃખદ પણ લાગી શકશે. જીવન મુક્ત રહેવા માટે મળેલું છે. આપણે તેને બંધનમાં રાખીને જીવન સાથે અત્યાચાર કરીએ છીએ.

 

સંતોષ એ જ  સુખનું સાચું શસ્ત્ર છે

જીવન પર્યંત સુખની શોધ પાછળ માણસ દોટ મૂકતો રહે છે. સુખ એક એવો મુકામ છે જ્યાં પહોંચવા માટે પણ દુઃખના આરોહ-અવરોહ વળોટવા પડે છે.

સુખ એટલે શું ? એની વ્યાખ્યા શું ? કોઈ પૂરી વ્યાખ્યા કરી શકતું નથી. સર્વાંગ સુખની એષણા તો ભાગ્યે જ કોઈની પૂરી થતી હશે. પણ સુખ મેળવવા પાછળના શોર્ટકટથી કદી તે કોઈને મળતું નથી. સંભવ છે, એ મળે તો એટલું સાંગોપાંગ હોતું નથી.

કોઈકે સાચું જ કહ્યું છે કે સાચું સુખ તો જાતે નર્યામાં છે. સૌએ શરીર સ્વાસ્થ્યને સવિશેષ મહત્ત્વ આપવું જોઈએ. શરીર સારું હશે તો બાકીના તમામ સુખ સ્વયં આવી મળશે. કોઈ વિદ્વાને સાચું જ કહ્યું છે કે ચાલશે, ફાવશે અને દોડશેની નીતિ માનવ મનને સ્વસ્થ રાખે છે. સ્વસ્થ જીવન મેળવવા માટે વ્યસ્ત રહેવું પડે. વ્યસ્તતામાં જ સારો મસ્તીનો આનંદ છૂપાયેલો હોય છે.

જગતમાં ચાર સુખ કોઈને પૂરા મળતા નથી. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે દીકરા, ત્રીજું સુખ તે ગુણવંતી નાર અને ચોથું સુખ તે કોઠીએ જાર ! આ ચાર સુખ પૂરેપૂરા કોઈને મળ્યા હોવાનું યાદ નથી. ક્યાંય વાગ્યું પણ નથી. માણસના જીવનમાં કોઈને કોઈ મુદ્દે જીવનભર અસંતોષ રહેતો હોય છે. એના પરિવારમાં એક વાતનું સુખ હોય તો બીજી વાતનું દુઃખ. પણ એનો અર્થ એવો તો થતો જ નથી કે તમારે ચારેય સુખ મેળવવા માટે પ્રયાસ કરવો જ નહીં. આયખું આખું પુરું થઈ જાય તો પણ ભાગ્યે જ ચાર સુખ મળે છે. છતાં માનવ મનનો તાગ કાઢી શકાતો નથી. તેના હૈયે કદી અગિયાર દરિયા ઘૂઘવતા નથી. તેના લલાટે ૧૦ દરિયા લખાયા હોય તો ૧૧ની એષણા એને છેક સુધી ટળવળતો રાખે છે.

અગિયાર દરિયા એટલે તન, મન, ધન, ઐશ્વર્ય, ગાડી, બંગલા, નોકર, ચાકર, દાસ, દાસી અને મનોરંજન. આ અગિયાર દરિયાના મોજાંની ભીનાશ મેળવતા-મેળવતા જ મનુષ્ય અંતિમધામે પહોંચી જાય છે. પણ સદૈવ સંતોષ રાખીને ચાલો તો તમામ સુખ હથેળીમાં આવીને પડે છે. સંતોષ જેવું કોઈ સુખ હોતું નથી. જે મળ્યું તેમાં સંતોષ માનો તો સુખની અનુભૂતિ અવશ્ય થશે. સુખની અનુભૂતિ પામવા માટે નિરંતર સંતોષની આશાને ધબકતી રાખીએ. 

                                            આ સંતોષ એ જ સુખનું સાચું શસ્ત્ર છે.