-
સજ્ઝાયોનો સંગ્રહ
શ્રી ગજસુકુમાલની સજ્ઝાયસોના કેરા કાંગરા ને રૂપા કેરા ગઢ રે;
કૃષ્ણજીની દ્વારીકામાં, જોવાની લાગ રઢ રે.
ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાર રે, આ પુરાં પુન્યે પામીયા. ૧
નેમિજિણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે;
ગજસુકુમાર વીરા, સાથે બોલાઈ રે, ચિરંજીવો. ૨
વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે;
શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રેચ. ચિરંજીવો. ૩
ઘેર આવી એમ કહે, રજા દીયો માતા રે;
સંયમ સુખે લહું, જેહથી પામું શાતા રે. ચિરંજીવો. ૪
મુર્છાણી માડી કુંવર, સુણી તારી વાણી રે;
કુંવર કુંવર કેતાં આંખે, નથી માતા પાણી રે. ચિરંજીવો. ૫
હૈયાનો હાર વીરા, તજ્યો ક્મ જાય રે;
દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ થાય રે. ચિરંજીવો. ૬
સોના સરિખા વાળા તારા, કંચન વરણી કાયા રે;
એહવી રે કાયા એક દિન, થાશે ધુળધાણી રે. ચિરંજીવો. ૭
સંયમ ખાંડા ધાર, તેમાં નથી સુખ રે.
બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો. ૮
દુઃખથી બળેલો દેખું, સંસાર અટારો રે;
કાયાની માયા જાણે, પાણીનો પરપોટો રે. ચિરંજીવો. ૯
જાદવ કૃષ્ણ એમ કહે, રાજ્ય વીરા કરો રે;
હજારો હાજર ઊભાં, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો. ૧૦
સોનૈયાનો થેલા કાઢો, ભંડારી બોલાવો રેઃ
ઓઘા પાત્રા વીરા લાવો, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો. ૧૧
રાજપાત વીરા તુમે, સુખે હવે કરો રે;
દીક્ષા આપો હવે મનિ, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો. ૧૨
આજ્ઞા આપી ઓચ્છદ કીધો, સંયમ લીધો આપે રે;
દેવકી કહે ભાઈ, સંયમે ચિત્ત સ્થાપો રે. ચિરંજીવો. ૧૩
મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે;
કર્મ ખપાવી ઇહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો. ૧૪
કુંવરે અંતેઉર મેલી, સાધુ વેષ શીદ લીધો રે;
ગુરુ આજ્ઞા લઈને, સ્મશાને કાઉસગ્ગ કીધો રે. ચિરંજીવો. ૧૫
જંગલે જમાઈ જોઈને, સોમીલ સસરા કોપ્યા રે;
ખરેના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો. ૧૬
મોક્ષપાઘ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે;
વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે. ચિરંજીવો. ૧૭
ધન્ય જન્મ ધર્યો તુમે, ગજસુકુમાર રે;
કર્મ ખપાવવા તુમે, હૈયે ધરી હામ રે. ચિરંજીવો. ૧૮
વિનયવિજય એમ કહે, એવા મુનિને ધન્ય રે;
કર્મના બીજ બાળી, જીતી લીધું મન્ન રે. ચિરંજીવો. ૧૯
શ્રી અરણીક મુનિની સજ્ઝાય
મુનિ અરણીક ચાલ્યા ગોચરી રે વનના વાસી,
એનું રવિ તપે રે લલાટ; મુનિવર વૈરાગી. ૧
મુનિ ઉંચા મંદિર કોશ્યાતણા રે વનના વાસી,
જઇ ઉભા રહ્યા ગોખની હેઠ; મુનિવર વૈરાગી. ૨
કોશ્યાએ દાસી મોકલી ઉતાવળી રે વનના વાસી,
પેલા મુનિને અહિં તેલી લાવ; મુનિવર વૈરાગી. ૩
મુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળા રે વનના વાસી,
તિહાં જઈ કીધો ધર્મલાભ; મુનિવર વૈરાગી. ૪
મુનિ પંચરંગી બાંધો પાઘડી રે વનના વાસી,
તમે મેળો ઢળતા તાર; મુનિવર વૈરાગી. ૫
મુનિ નવા નવા નીત લઉ વારણા રે વનના વાસી,
તમે જમો મોદકના આહાર; મુનિવાર વૈરાગી. ૬
મુનિની માતા શેરીએ શોધતી રે વનના વાસી,
ત્યા જોવ મલ્યા બહુ લોક; મુનિવર વૈરાગી. ૭
કોઈએ દીઠો મારો અરણીકો રે વનના વાસી,
એ તો લેવા ગયા છે આહારઃ મુનિવર વૈરાગી. ૮
મુનિ ગોખે બેઠે રમે સોગઠે રે વનના વાસી,
ત્યાં સાંભળ્યો માતાજીનો શોર; મુનિવર વૈરાગી. ૯
મુનિ ગોખેથી હેઠા ઉતર્યા રે વનના વાસી,
જય લાગ્યા તામાજીને પાય, મુનિવર વૈરાગી. ૧૦
મુનિ ન કરવાના કામ તમે કર્યા રે વનના વાસી,
તમે થયા ચારિત્રના ચોર; મુનિવર વૈરાગી. ૧૧
અમે શીલા ઉપર જઈ કરશું સંથારો રે વનના વાસી,
અમને ચારિત્ર નહિ રે પળાય; મુનિવર વૈરાગી. ૧૨
મુનિએ શીલા ઉપર જઈ કર્યો સંથારો રે વનના વાસી,
ત્યાં તો ઉપન્યું છે કેવલજ્ઞાન; મુનિવર વૈરાગી. ૧૩
હીરવિજય ગુરૂ હીરલો રે વનના વાસી,
ત્યાં તો લબ્ધિવિજય ગુણ ગાય; મુનિવર વૈરાગી. ૧૪
શ્રી જંબૂસ્વામીની સજ્ઝાય
રાજગૃહી નગરે વસે, ઋષભદત્ત વ્યવહારી રે;
તસ સુત જંબૂકુમાર નમું, બાળપણે બ્રહ્મચારી રે. ૧
જંબૂ કહે જનની સુણો, સ્વામી સુધર્મા આયા રે;
દીક્ષા લેશું તે કને, અનુમતિ દ્યો મોરી માયા રે. જંબૂ. ૨
માતા કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે;
તરૂણ પણે તરૂણ વરી, છાંડી કેમ છૂટીજે ? માયા. ૩
આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે;
નાટકણી નેહે કરી, આષાઢ ભૂતિ ભોળાય રે. માયા. ૪
વેશ્યા વશ પડિયા પછી, નંદિષેણ નગીનો રેઃ
આર્દ્ર દેશનો પાટવી, આર્દ્રકુમાર કાં કીનો રે. માયા. ૫
સહસ વરસ સંજમ લીયો, તો હી પાર ન પાયા રે;
કંડરીક કરમે કરી, પછી ઘણું પસ્તાયા રે. માય. ૬
મુનિવર શ્રી રહનેમીજી, નેમિસર જિન ભાઈ રે;
રાજીમતી દેખી કરી, વિષયતણી મતિ આઈ રે. માયા. ૭
દીક્ષા છે વચ્છ દોહિલી, પાળવી ખાંડાની ધાર રે;
અરસ નિરસ અન્ન જમવું, સૂવું ડાભ સંથાર રે. માયા. ૮
દીક્ષા છે વચ્છ ! દોહિલી, કહ્યું અમારૂં કીજે રે;
પરણો પનોતા પદ્મણી, અમ મનોરથ પૂરીજે રે. માયા. ૯
જંબૂ કહે જનની સુણો, ધન્ય ધન્નો અણગારો રે;
મેઠ મુનિસર મોટકો, શાલિભ્દર સંભારો રે. જંબૂ. ૧૦
ગજસુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધના કીધો રે;
ષટ્માસી તપ પારણે, ઢંઢણે કેવળ લીધો રે. જંબૂ. ૧૧
દશાર્ણભદ્ર સંયમ લહી, પાય લગાડ્યો ઇંદો રે;
પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યો છે પરમાનંદો રે. જંબૂ. ૧૨
એમ અનેક મુનિવર હુઆ, કહેતા પાર ન પાય રે;
અનુમતિ દ્યો મોરી માવડી, ક્ષણ લાખીણો જાય રહે. જંબૂ. ૧૩
પાંચસે સત્તાવીશ સાથે, જંબૂકુમાર પરવરીઓ રે;
પંચ મહાવ્રત ઉચ્ચરી ભવજલ સાયર તરીયો રે. જંબૂ. ૧૪
જંબૂ ચરમ જ કેવલી, તાસ તણાં ગુણ ગાયા રેઃ
પંડિત લલિત વિજય તણો, હેત વિજય સુપસાયા રે. જંબૂ. ૧૫
શ્રી ઇલાચીપુત્રની સજ્ઝાય
નામે ઇલાચી પુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર,
નટડી દેખી રે મોહી રહ્યો, નવિ રાખ્યું ઘર સુત્ર;
કર્મ ન છૂટ રે પ્રાણીયા, પૂરવ સ્નેહ વિકાર,
નિજકુલછંડી રે નટ થયો, નાવી શરમ લગાર. કર્મ ન છૂટ રે. ૧
માતા પિતા કહે પુત્રને, નટ નવિ થઈયે રે જાત;
પુત્ર પરણાવવું રે પદ્મિણી, સુખ વિલસો તે સંઘાત. કર્મ ન છૂટ રે. ૨
કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ;
નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખ્યા રે લેખ. કર્મ ન છૂટ રે. ૩
એક પૂર આવ્યો નાચવા રે, ઊંચો વાંશ વિશેષ;
તિહાં રાય જોવાને આવીયો, મલીયા લોક અનેક. કર્મ ન છૂટ રે. ૪
ઢોલ બજાવે રે નટડી, ગાવે કિન્નર સાદ;
પાય પગ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર ના. કર્મ ન છૂટ રે. ૫
દોય પગ પરીરે પાવડી, વંશ ચઢ્યો ગજ ગેલ;
નોધારો થી નાચતો, ખેલે નવા નવા ખેલ. કર્મ ન છૂટ રે. ૬
નટડી રંભા રે સરખી, નયણે દેખે રે જામ;
જો અંતે ઉરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. કર્મ ન છૂટ રે. ૭
તવ તિહાં ચિંતે રે ભુપતિ, લુબ્ધો નટડીની સાથ;
જો નટ પડે રે નાચતો, તો નટડી કરૂં મુજ હાથ. કર્મ ન છૂટ રે. ૮
કર્મ વશે રે હુ નટ થયો, નાચું છું નિરાધાર;
મન નવિ માને રે રાયનું, તો કોણ કરવો વિચાર. કર્મ ન છૂટ રે. ૯
દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત;
હું ધન વંછુ રે રાયનું, રાય વંછે મુજ ઘાત, કર્મ ન છૂટ રે. ૧૦
દાન લહું જો હું રાયનું, તો મુજ જવિત સાર;
એમ મનમાંહે રે ચિંતવી, ચઢીઓ ચોથી રે વાર. કર્મ ન છૂટ રે. ૧૧
થાલભરી શુદ્ધ મોદકે, પદ્મિણી ઉભેલી બારા;
લ્યો લ્યો કે છે છતાં નથી, ધન ધન મુનિ અવતાર. કર્મ ન છૂટ રે. ૧૨
એમ તિહાં મુનિવર વોરતા, નટે પેખ્યા મહાભાગ્ય;
ધિક્ ધિક્ વિષયારે જીવને, એમ નટ પામ્યો વૈરાગ્ય. કર્મ ન છૂટ રે. ૧૩
સંવર ભાવે રે કેવલી, થયો મુનિ કર્મ ખપાય;
કેવલ મહિમારે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ ન છૂટ રે. ૧૪
વૈરાગ્યની સજ્ઝાય
એક દિવસમાં ક્ષણે ક્ષણે ને, શિરપર ભમે કાળજી;
લઈજાવે જમ જીવડા તિમ, તીતર ઉપર બાજે હો મન પંખીડા.
મન પડે જીમ પિંજરે, સંસાર માયા જાળ હો. મન. ૧
મન આયુષ્યરૂપી જીવ જાણ્યો, ને ધર્મ રૂપી પાળજી;
એવો અવસર જે ચુકશે, તેને જ્ઞાનીએ ગણ્યો ગમાર હો. મન. ૨
અઢી રે હાથનું કપડું લાવીને, શ્રીફળ બાંધ્યા ચારજી;
ખોખરી હાંડીમાં આગ મૂકી, લઈ ચાલ્યા તત્કાલ હો. મન. ૩
જ્યારે સરવોર ભર્યા હતા, ત્યારે ન બાંધી પાળજી;
નીર હતા તે વહી ગયા, પછી હાથ ઘસે શું તાય હો. મન. ૪
મન કાચો રે કુંભ જળે ભર્યો, તેને ફુટતા ન લાગે વારજીઃ
હંસો તે ઉડી ગયો, પછી કાયા માટીજમાં જાય હો. મન. ૫
હાડ બળે જેમ લાકડું ને, કેશ બળે જેમ ઘાસજી;
કંકુ વર્ણી તારી કાયા બળે, ખોળી બાળે હાડ હો. મન. ૬
ઉંબર લગે સગી સુંદરીને, શેરી સુધી મા ને બાપજી;
સ્મશાન લગે સગો બાંધવો, પછી કોઈ ન આવે તારી સાથ હો. મન. ૭
માતા રૂવે તારી ઘડી ઘડીને, બેની રૂવે ષટ માસજીઃ
પ્રિયા રૂવે એક વર્ષ લાગે, પછી શોધે ઘરનો વાસ હો. મન. ૮
કોના છોરૂ ને કોના વાછરૂ ને, કોના માને બાપજી;
પ્રાણી જવું એકલા એમ ‘વીરવિજય’ની વાણી હો. મન. ૯
વૈરાગ્યની સજ્ઝાય-૨
ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, ભમીયો દિવસ ને રાત;
માયાનો બાંધ્યો પ્રાણીઓ, ભમે પરિમલ જાત. ભૂલ્યો ૧
કુંભ કાચો રે કાયા કારમી, તેહના કરો રે જતન્ન;
વિણસંતાં વાર લાગે નહિ, નિર્મળ રાખો રે મન. ભૂલ્યો ૨
કેનાં છોરુ ને કેનાં વાછરું, કેના માય ને બાપ;
અંતે રે જાવું છે એકલું, સાથે પૂણ્ય ને પાપ. ભૂલ્યો ૩
જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ;
ધન સંચી સંચી રે કાંઈ કરો, કરો દૈવની વેઠ. ભૂલ્યો ૪
ધંધો કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ;
મરણની વેલા રે માનવી, લીધો કંદોરો છોડ. ભૂલ્યો ૫
મૂરખ કહે ધન માહરું, ધોખે ધાન ન ખાય;
વસ્ત્ર વિના જઈ પોઢવું, લખપતિ લાકડાં માંય. ભૂલ્યો ૬
ભવસાગર દુખ જલે ભર્યો, તરવો છે રે તેહ;
વચમાં ભય સબળો થયો, કર્મ વાયરો ને મેહ. ભૂલ્યો ૭
લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ;
ગર્વ કરી ગોખે બેસતાં, સર્વ થયા બળી રાખ. ભૂલ્યો ૮
ધમણ ધખંતી રે રહી ગઈ, બુઝ ગઈ લાલ અંગાર;
એરણકો ઠબકો મીટયો, ઉઠ ચાલ્યો રે લુહાર. ભૂલ્યો ૯
ઉવટ મારગ ચાલતા, જાવું પેલે રે પાર;
આગળ હાટ ન વાણીયો, શંબલ લેજો રે સાર. ભૂલ્યો ૧૦
પરદેશી પરદેશમાં, કુણશું કરો રે સનેહ;
આયા કાગળ ઉઠ ચલ્યા, ન ગણે આંધી ને મેહ. ભૂલ્યો ૧૧
કેઈ ચાલ્યા રે કેઈ ચાલશે, કેઈ ચાલણહાર;
કેઈ બેઠાં રે બુઢા બાપડા, જાયે નરક મોઝાર. ભૂલ્યો ૧૨
જે ઘર નોબત વાગતી, થાતાં છત્રીશે રાગ;
ખંડેર થઈ ખાલી પડયાં, બેસણ લાગ્યા છે કાગ. ભૂલ્યો ૧૩
ભમરો આવ્યો રે કમલમાં, લેવા પરિમલ પૂર;
કમળ મીંચાયે માંહે રહ્યો, જબ આથમતે સૂર. ભૂલ્યો ૧૪
રાતનો ભૂલ્યો રે માનવી દિવસે મારગ આય;
દિવસનો ભૂલ્યો રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. ભૂલ્યો ૧૫
સદ્ગુરુ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ;
આપણો લાભ ઉગારીયે, લેખું સાહિબ હાથ. ભૂલ્યો ૧૬
વૈરાગ્યની સજ્ઝાય-૨
ઊંચા તે મંદિર માળિયા, સોડ વાળીને સૂતો;
કાઢો કાઢો રે એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો,
એક રે દિવસ એવો આવશે. ૧
મને સબળો જી સાલે, મંત્રી મળ્યા સર્વે કરામાં;
તેનું કંઇ નવ ચાલે. એક. ૨
સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવ નવા વાઘા;
ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક. ૩
ચરૂ કઢાઈઆ અતિ ઘણા, બીજાનું નહિં લેખું;
ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક. ૪
કેના છોરૂ ને કેના વાછરૂ, કેના માયને બાપ;
અંતકાળે જાવું(જીવને) એકલું, સાથે પુણ્ય ને પાપ. એક. ૫
સગી રે નારી એની કામિની, ઉભી ટગમગ જુવે;
તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રૂવે. એક. ૬
વ્હાલાં તે વ્હાલાં શું કરો ? વ્હાલાં વોળાવી વળશે;
વ્હાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક. ૭
નહીં ત્રાપો નહીં તુંબડી, નથી તરવાનો આરો;
ઉદય રતન પ્રભુ ઇમ ભણે, મને પાર ઉતારો. એક. ૮રહનેમીની સજ્ઝાય
કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમિ નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે;
દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવનો પાર રે. (એ આંકણી) દેવ.
વરસાદે ભીનાં ચીવર મોકળાં કરવા, રાજુલ આવ્યા તેણે ઠામરે. દેવ. ૧
રૂપે રતિરે વસ્ત્રે વર્જિત બાળા, દેખી ખેલાણો તેણે કામ રે. દેવ.
દિલડું ખોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ. ૨
જાદવ કુળમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણ રે. દેવ.
બંધવ તેહના તમે શિવાદેવી જાયા, એવડો પટંતર કારણ કેણ રે. દેવ. ૩
પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભબોધી હોય પ્રાય રે દેવ.
સાધવી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહને છુટકારો કદીય ન થાય રે. દેવ. ૪
અશુચી કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે. દેવ.
હુંરે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવ. ૫
ભોગ વમ્યારે મુનિ મનથી ન ઇચ્છે, નાગ અગંધન કુલના જેમ રે. દેવ.
ધિક્ કૂળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ. ૬
એવા રસીલાં રાજુલ વયણ સુણીને, બુઝ્યા રહનેમિ પ્રભુજી પાસરે. દેવ.
પાપ આલોયણ કરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ. ૭
ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે. દેવ.
રૂપ કહે તેહના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ. ૮સંસારના ખોટા સગપણની સજ્ઝાય
સગુ તારૂં કોણ સાચું રે સંસારીયામાં સગું.
પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહિ ધાયો;
ડાહ્યો થઈને તું દબાયો રે, સંસારીયામાં. સગું. ૧
કૂડું કડૂં હેત કીધું, તેને સાચું માની લીધું;
અંત કાલે દુઃખ દીધું રે, સંસારીયમાં. સગું. ૨
વિસવાસે વહાલા કીધાં, પ્યાલા ઝેરના પીછા;
પ્રભુને વિસારી દીધા રે. સંસારીયામા. સગુ. ૩
મન ગમતામાં મહાલ્યો, ચોરને મારગે ચાલ્યોઃ
પાપીઓનો સંગ ઝાલ્યો રે. સંસારીયામાં. સગુ. ૪
ઘરને ધંધે ઘેરી લીધો, કામીનીયે વશ કીધો;
ઋષભ દાસ કહે દગો દીધો રે, સંસારીયામાં. સગુ. ૫
અધ્યાત્મપદ સજ્ઝાય
નાવમાં નદીમાં ડૂબી જાય, મુજ મન અચરિજ થાય;
નાવમાં નદીયા ડૂબી જાય.
કીડી ચાલી સાસરે મેં, સો મણ ચૂરમો સાથ;
હાથી ધરીયો ગોદમેં, ઉંટ લપેટ્યો જાય. નાવ. ૧
કચ્ચા ઇંચા બોલતાં, બચ્ચા બોલે નાય;
ષડ્દર્શનમેં સંશય પડીયો તો જ મુક્તિ મીલ જાય. નાવ. ૨
એક અંચબો એસો દીઠો, મડદો રોટી ખાય
મુખસે બોલે નહિં, ડગડગ હસતો જાય. નાવ. ૩
બેટી બોલે બાપને વિગ જાયો વર લાય;
વિણજાયો વર ના મિલે તો, મુજ શું ફેરા ખાય. નાવ. ૪
સાસી કુવારી વહુ પરણેલી, નણદલ ફેરા ખાય;
દેખણવાલી હુલર જાયો, પાડોસણ હુલરાય. નાવ. ૫
એક અચંબો એસો દીઠો, કૂવામાં લાગી આગ;
કચરો કરબટ સબહી બલ ગયો, પણ ઘટ ભરભર જાય. નાવ. ૬
આનંદઘન કહે સુણ ભાઈ સાધુ, એ પદસેં નિવારણ;
ઇસ પડકા કોઈ અર્થ કરેંગા, શીઘ્ર હોવે કલ્યાણ;
નાવમેં નદીમાં ડૂબી જાય. ૭
અનિત્યસગપણની સજ્ઝાય
કેના રે સગપણ કેની માયા, કેહના સજ્જન સગાઈ રે;
સજ્જન વરગ કોઈ સાથે ન આવે, આવે આપ કમાઈ રે. ૧
મારું મારું સૌ કહે પ્રાણી, ત્હારૂં કોણ સગાઈ રે;
આપ સવારથ સહુને વહાલો, કુણ સજ્જન કુણ માઈ રે. ૨
ચુલણી ઉદરે બ્રહ્મદત્ત આયો, જુઓ માત સગાઈ રે;
પુત્ર મારણને અગ્નિ જ કીધી, લાખનાં ઘર નિપજાઈ રે. ૩
કાષ્ટ પિંજરમાં ઘાલીને મારે, શસ્ત્ર ગ્રહી દોડે ધાઈ રે;
કોણીકે નિજ તાત જ હણીયો, તો કિહાં કહી પુત્ર સગાઈ રે. ૪
ભરત બાહુબળ આપે લડીયા, આયે સજ્જ થાઈ રે;
બાર વરસ સંગ્રામ જ કીધો, તો કીહાં રહી ભ્રાતૃ સગાઈ રે. ૫
ગુરુ ઉપદેશથી રાય પ્રદેશી, સુધો સમકિત પાઈ રે;
સ્વારથ વિણ સુરકાન્તા નારી, માર્યો પિયુ વિષ પાઈ રે. ૬
નિજ અંગજનાં અંગજ છેદે, જુહો રાહુ કેતુ કમાઈ રે;
સહુ સહુને નિજ સ્વારથ વ્હાલો, કુણ ગુરુને કુણ ભાઈ રે. ૭
સુભુમ પરશુરામ જ દોઈ; માંહો માંહે વેર મનાઈ રે;
ક્રોધ કરીને નરકે પહોંચ્યા, તો કિહાં ગઈ તાત સગાઈ રે. ૮
ચાણક્યે તો પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈ રે;
મરણ પામ્યો ને મનમાં હરખ્યો, તો કિહાં રહી મિત્ર સગાઈ રે. ૯
આપ સ્વાસ્થ સહુને વહાલો, કુણ સજ્જન કુણ માઈ રે;
જમરાજાના તેડો આવ્યો, ટગટગ જોવે ભાઈ રે. ૧૦
સાચો શ્રી જીન ધર્મ સખાઈ, આરાધો લય લાઈ રે,
દેવવિજય કવિનો શિષ્ય ઇણીપરે, કહે તત્ત્વ વિય સુખ દાઈ રે. ૧૧
મેતારજ મુનીની સજ્ઝાય
શમદમ ગુણના આગરૂજી રે, પંચ મહાવ્રત ધાર.
માસક્ષમણને પારણેજી, રાજગૃહી નગરીજ મોઝાર.
મેતરાજ મુનિવર ધન ધન તુમ અવતાર. ૧
સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય;
જવલા ઘડતો ઉઠીયોજી, વંદે મુનિના પાય. મેતારજ. ૨
આજ ફલ્યો ઘર આંગણેજી, વિણ કાલે સહકાર;
લ્યો ભિક્ષા છે સુઝતીજી, મોદકતણો એ આહાર. મેતારાજ. ૩
કૌંચ જીવ જવલા ચણ્યોજી, વહોરી લ્યા ઋષિરાય,
સોની મન શંકા થઈ જી, સાધુ તણા એ કાજ. મેતારાજ. ૪
રીશ કરી ઋષિને કહેજી, દ્યો જવલા મુજ આજ;
વાઘર શિર્ષે વીંટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ. મેતારજ. ૫
ફટ ફટ ફુટે હાંડકાંજી ત્રટ ત્રટ તુટે છે ચામ;
સોનીડે પરિસહ દીયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારજ. ૬
એવા પણ મોટા યતિજી, મન ન આણે રે રોષ.
આતમ નિંદે આપણોજી, સોનીનો શો દોષ. મેતારજ. ૭
ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ,
ખેર અંગારા શિરે ધર્યાજી, મુગતે ગયા તત્કાળ. મેતરાજ ૮
વાઘણે શરીર વલુરીયું જી, સાધુ સુકોશલ સાર,
કેવલ લહી મુગતે ગયાજી, ઇમ અરણિક અણગાર. મેતરાજ. ૯
પાપી પાલક પીલીયાજી, ખંધકસૂરિના રે શિષ્ય,
અંબડ ચેલા સાતશેંજી, નમો નમો તે નિશદિન. મેતારજ. ૧૦
એવા ઋષિ સંભારતાજી, મેતારજ ઋષિરાય,
અંતગડ હુઆ કેવલીજી, વંદે મુનિના પાય. મેતારજ. ૧૧
ભારી કાષ્ઠની સ્ત્રી એ તિહાંજી, લાવી નાંખી તેણીવાર;
ધબકે પંખી જાગીયોજી, જવલા કાઢ્યા તેણે સાર. મેતારજ. ૧૨
દેખી જવલા વિષ્ટમાંજી, મનમાં લાજ્યો સોનાર,
ઓઘો મુહપત્તિ સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારજ. ૧૩
આતમ વાર્યો આપણોજી, સ્થિર કરી મન વચ કાય;
રાજવિજય રંગે ભણેજી, સાધુ તણી એ સજ્ઝાય. મેતારજ. ૧૪
ઘડપણની સજ્ઝાય
ઘડપણ કાંત તું આવીયો રે, તુણ કોણ જુએ છે વાટ ?
તું સહુને અળખામણો રે, જેમ માકટ ભરી ખાટ રે.
ઘડપણ કોણ મોકલ્યું ૧
ગતિ ભાગે તું આવતાં રે, ઉદ્યમ ઊઠી રે જાય;
દાંતડલા પણ ખસી પડે રે, લાળ વડે મુખમાંય રે. ઘડપણ. ૨
બળ ભાંગે આંખો તણું રે, શ્રાવણે સુણ્યું નવિ જાપ;
તુજ આવે અવગુણ ઘણા રે, વળી ધોળી હોવે રોમરાય રે. ઘડપણ. ૩
કેડ દુઃખે ગુડા રહે રે, મુખમાં શ્વાસ ન માંય;
ગાલે પડે કરચલી રે, રૂપ શરીરનું જાય રે. ઘડપણ. ૪
જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય;
ઘેર સહુને અળખામણો રે, સાર ન પૂછે કોય રે. ઘડપણ. ૫
દીકરા તો નાસી ગયા રે, વહુઓ દીએ છે ગાળ;
દીકરી નાવે ઢુંકડી રે, સબળ પડ્યો છે જંજાળ રે. ઘડપણ. ૬
કાને તો ધાકો પડી રે, સાંભળે નહીંય લગાર;
આંખે તો છાયા વળી રે, એ તો દેખી ન શકે લગાર. ઘડપણ. ૭
ઉંબરો તો ડુંગર થયો રે, પોળ થઈ પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, તમે જુઓ જરાના વેશ રે. ઘડપણ. ૮
ઘડપણમાં વહાલી લાપશી રે, ઘડપણે વહાલી ભીંત;
ઘડપણમાં વહાલી લાકડી રે, તમે જુઓ ઘડપણની રીત રે. ઘડપણ. ૯
ઘડપણ તું અકહ્યગરો રે, અણ તડ્યો મા આવીશ;
જોવનિયું જગ વહાલું રે, જતન હું તાસ કરીશ રે. ઘડપણ. ૧૦
ફટ લટ તું અભાગીઆ રે, જોવન તો તું કાલ;
રૂપ રંગને ભાંગતા રે, તું તો મોટો ચંડાલ રે. ઘડપણ. ૧૧
નિસાસે ઉસાસમેં રદિવને દીજીએ ગાળ;
ઘડપણ કાં તું સરજીયો રે, લાગ્યો માહરે નિલાડ રે. ઘડપણ. ૧૨
ઘડપણ તું સદા વડો રે, હું તુજ કરૂ રે જુહાર;
જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચાર રે. ઘડપણ. ૧૩
કોઈ ન વંછે તુજને રે, તું તો દૂર વસાય;
વિનયવિજય ઉવજ્ઝાયનો રે, રૂપવિજય ગુણ ગાય રે. ઘડપણ. ૧૪
સુકૃતની સજ્ઝાય
જીવડા સુકૃત કરજે સાર, નઇતર સ્વપ્નું છે સંસાર;
પલકતણો નિશ્ચય નથી ને, નથી બાંધી તેં ધર્મની પાળ. જીવડા. ૧
ઊંચી મેડી તે અજબ ઝરૂખા, ગોખ તણો નહિ પાર;
લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા, તેના બંધ રહ્યા છે બાર. જીવડા. ૨
ઉપર ફૂલડાં ફરહરે ને, બાંધ્યા શ્રીફળ ચાર;
ઠાકઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંઠે તે લોકના પોકાર. જીવડા. ૩
શેરી લગે જબ સાથે ચલેંગી, નારી તણો પરિવાર;
કુટુંબ કબીલો પાછો ફરીને, સૌ કરશે ખાનપાન સાર. જીવડા. ૪
સેજ તલાઈ વિના નવિ સુતો, કરતો ઠાઠ હજાર;
સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ઠના ભાર. જીવડા. ૫
અગ્નિ મૂકીને અળગા રહેશે, ત્યારે વરસસે અંગે અંગાર;
ખોળી ખોળીને બાળશે, જેમ લો લોઢું ગાળે લુહાર. જીવડા. ૬
સ્નાન કરીને ચાલીયા, સૌ સાથે મીલી નરનાર;
દશ દિવસ રોઈ રોઈને રહેશે, પછી તે મૂકીયા વિસાર. જીવડા. ૭
એવું જાણી ધર્મ કરી લે, કરી લે, પર ઉપકાર;
‘સત્ય’ શિયળથી પામી જા જીવડા, શિવતરૂ ફળ સહકાર. જીવડા. ૮
પડિક્કમણાંના ફળની સજ્ઝાય
ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે;
પ્રતિક્રમણથી શ્યું ફળ પામીએ રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ગો. ૧
સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુન્યનો બંધ રે;
પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ગો. ૨
ઇચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે;
પુન્યની કરણી જે ઉવેખશે, રે પરભવે થાશે અંધો અંધ રે. ગો. ૩
પાંચ હજાર ને ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે;
જીવાભિગમ ભગવઈ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ગો. ૪
પાંચ હજાર ને ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવતી જેહ રે;
તેહને અભયદાન દેતા થકાં રે, મુહપતિ આપ્યાનું પુન્ય એહ રે. ગો. ૫
દશ હજાર ગોકુલ ગાયો તણી રે, એકે કો દેશ હજાર પ્રમાણ રે;
તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ગો. ૬
તેથી અધિકું ઉત્તમફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે;
ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશ પામે પરિમલ નાણ રે. ગો. ૭
શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ રે;
એકે કો મંડપ બાવન ચૈત્યનો રે, ચરવલો આપ્યાનું પુન્ય એહ રે. ગો. ૮
માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજર કરાવે જેહ રે;
એહવા ક્રોડ પંજર કરતાં થકાં રે, કાંબલિયું આપ્યાનું ફણ એહ રે. ગો. ૯
સહસ અઠ્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે;
સ્વામી સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશ થાએ પુન્યનો બંધ રે. ગો. ૧૦
શ્રી જિન પ્રતિમા સોવનય કરે રે, સહસ અઠ્યાસીનો પ્રમાણ રે;
એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઇરિયાવહી પડિક્કમતાં ફલ જાણ રે. ગો. ૧૧
આવશ્યક પન્નવણા જુગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્કમણાનો સંબંધ રે;
જીવા ભગવઈ આવશ્યક જોઈને રે, સ્વમુખ ભાખે વીરજિણંદ રે. ગો. ૧૨
વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાલે શુદ્ધ પડિક્કમણાનો વ્યવહાર રે;
અનુત્તર સમ સુખ પામે મોટકું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો. ૧૩
ક્રોધની સજ્ઝાય
કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે;
રીસ તણો રસ જાણીયે, હલાહલ તોલે કડવાં…. ૧
ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફળ જાય;
ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય કડવાં…. ૨
સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ;
શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશિયો નાગ કડવાં…૪
આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે;
જળનો જોગ જો નવિ મલે, તો પાસેનું પરજાળે કડવાં….૫
ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી;
હાણ કરે જે હેતની, જાલવજો એમ જાણી કડવાં….૬
ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગલે સાહી;
કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નાહી કડવાં….૭