પર્વાધિરાજને કોટિ કોટિ વંદના હો...
ધર્મ પ્રભાવનાના સેતુ સ્વરૃપ, લોક માનસમાં રત્નત્રયીની અનન્ય આરાધનાના સેતુ સ્વરૃપ પર્વાધિરાજ પર્યુષણા પર્વનું સ્વાગત કરવા સાથે આપણે આ પુનિત પર્વનો પાવન સંદેશો સાંભળીએ. આ પાવન ભાવના સાથે આ સંદેશ આપ સૌના કરકમલમાં સમર્પિત કરું છું
- ૧) આપણે આપણું જીવન એવું બનાવવાનું છે જે બીજાને પોતાની સુગંધથી ભરી દે. સદાચાર, દયા, ઉત્તમ વ્યવહાર તથા મૈત્રીની સુગંધ વગરનું જીવન શું કામનું ? આપણું જીવન બીજાને માટે ઉપયોગી થાય, કારણ આ દેહ તો નશ્વર છે. આપણા ઉત્તમ કર્મો જ આપણને અમરતા બક્ષી શકે છે.
- (ર) આત્મ-નિરીક્ષણ કરવાથી જ આપણા જીવનમાં નિખાર આવે છે. જો આપણે મુક્તિ-પદ સુધી પહોંચવું હોય તો આપણા જીવનમાંથી વ્યસન, કષાય તથા વિષય વાસનાઓનો મેલ કાઢી નાંખી જીવનને નિર્મળ બનાવવાથી જ મુક્તિપદનો રસ્તો ખુલ્લો થશે.
- (૩) ફક્ત પ્રસિદ્ધિ મેળવવાના આશયથી જ કોઈ સંસ્થાના અધ્યક્ષ, મંત્રી કે ટ્રસ્ટી બનવાને બદલે માનવતાનો સેવક થવાવાળો જ આત્મ-કલ્યાણ કરવાની સાથે સાથે શાસનની સેવા કરી શકશે અને લોકોના દિલ પર પણ શાસન કરી શકશે.
- (૪) તમે ચઢાવામાં સૌથી વધારે રકમ બોલીને તમે કમાયેલા ધનનો સદુપયોગ ચોક્કસ કરો. પરંતુ આ રકમ તુરત જ જમા કરાવી દો. નહીંતર તમને અનેક પ્રકારે દોષના ભાગીદાર બનશો. આ રીતે દોષી બનવાને બદલે ચઢાવો ન બોલવો તે ઉત્તમ છે.
- (પ) તમે પારણું ઘરે લઈ જવાના, કલ્પસૂત્ર વહોરાવવાના અથવા મહાલક્ષ્મીના સ્વપ્નનના ચઢાવા અવશ્ય લો, પરંતુ તે સિવાય અમુક ચોક્કસ રકમ તમારા સાધર્મિક ભાઈઓ માટે પણ અલગ રાખો. અને તેમના માટે ભોજન, વસ્ત્ર કે દવાઓ પાછળ તે રકમ ખર્ચો. તેનાથી આપનું કલ્યાણ થશે અને પરમાત્માના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે.
- (૬) પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ વિશેની મિથ્યા ચર્ચામાં ઉતરવાને બદલે તેમના માટે અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા કરાવાવાળી વ્યક્તિ સાચે જ ભાગ્યશાળી ગણાય. જો સાધુ-સાધ્વી બહુશ્રુત-વિદ્વાન તથા યોગ્ય હશે તો સંઘ યોગ્ય બનશે.
- (૭) ચાર રસ્તે, ઉપાશ્રયના ઓટલે કે બજારમાં બેસીને ગરીબ તથા અનાથ ભાઈ-બહેનોની નિંદા અથવા ટીકા કરવાને બદલે તેમના જીવનનિર્વાહની ચિંતાને તમે પ્રાધાન્ય આપો. તેમના માટે વિશુદ્ધ ઉદ્યોગ ચલાવો તથા તેઓ આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરો. જેથી મહાપર્વ પર્યુષણની તમારી આરાધના સફળ બને.
- (૮) તમે ચોર્યાસી લાખ જીવ યોનીના જીવોને હૃદયથી મિચ્છામિ દુક્કડં ચોક્કસ આપો, પરંતુ સાથે જ તમારા પરિવાર સાથે, પડોશી સાથે, મિત્રો સાથે તથા સ્વજનો સાથે થયેલી શત્રુતા કે વિરોધ માટે તમે અંતઃકરણપૂર્વક ક્ષમાપના અવશ્ય કરો, કારણ આ જ તો પર્વાધિરાજનો આત્મા છે.
- (૯) કોઈ એક આચાર્ય ભગવંત કે સાધુ મુનિરાજના આંધળા ભક્ત બનવાને બદલે તમે જૈન શાસન તથા ચતુર્વિધ સંઘના ભક્ત બનો, જેથી કલ્પસૂત્રનું શ્રવણ આપને મોક્ષનું ફળ આપવામાં સમર્થ બને. કોઈ દોરા, ધાગા અને મંત્ર-તંત્ર કરવાવાળા પાખંડી સાધુઓના સંપર્કમાં આવવાની કોશિષ ક્યારે ય ન કરો. તેનાથી તમારી પર્યુષણની સાધના નિષ્ફળ જશે.
- (૧૦) જીવ-દયામાં ફંડ આપવા સાથે સાધર્મિક ભાઈઓની મદદ માટે તમારા ઘરમાં થોડા રૃપિયા આપી રાખો. આ મોંઘવારીનો માર સહન ન કરી શકતા ગરીબ સાધર્મિકોની સેવા કરવી એ જ જૈન શાસન અને જૈન ધર્મની સાચી સેવા છે.
- (૧૧) તમે જો સંપન્ન શ્રાવક હો તો કેટલાક સાધુ અને સાધ્વી માટે વ્યાકરણ અને આગમના અભ્યાસ માટેની વ્યવસ્થા ગોઠવી શકો છો. આ રીતે જ્ઞાન સંપન્ન મુનિરાજ જ જૈનશાસનના પ્રબળ સમર્થક અને વાસ્તવિક રક્ષક છે.
- (૧ર) પરમ પવિત્ર પર્વાધિરાજ શ્રી પર્યુષણા પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાના દિવસોમાં તો અભક્ષ્ય ખાન-પાન, માંસાહાર, હોટલ, સિનેમા, રાત્રિ ભોજન, પરસ્ત્રીગમન આદિ ઘાતક પાપોથી દૂર રહો, જેથી આપનું કુળ કલંકિત થવાથી બચી જાય અને આપ ભગવાનના પ્રિય બની શકો.
- (૧૩) મહા પર્વના દિવસોમાં તમે જિનાલય, ઉપાશ્રયમાં અનુશાસન અને શિસ્તમાં રહો. સામયિક, પ્રતિક્રમણ, પૌષધ વિગેરે ક્રિયાઓ મૌન રહીને કરો. તથા પૂજા-ભક્તિમાં પણ મૌન રહો જેથી અન્ય આરાધકોને કોઈ તકલીફ ન થાય.
- (૧૪) જ્યાં સુધી વ્યક્તિગત અથવા સામાજિક જીવનમાં શ્રેષ્ઠતા ન આવે ત્યાં સુધી ધાર્મિક જીવનમાં પવિત્રતા ક્યારેય ન આવી શકે. આપણે પોતે સરળ, સભ્ય, પવિત્ર તેમજ સદાચારી બનીને ભગવાનના આશીર્વાદ લેવા માટે કટિબદ્ધ થવાનું છે.
- (૧પ) યદિ કલ્પસૂત્ર શ્રવણનો વાસ્તવિક લાભ લેવો હોય તો પ્રવચનના સમયે આગલી હરોળમાં બેઠેલા, પૌષધ લેવાવાળા, સામયિક લેવાવાળા અને ટ્રસ્ટીઓ વિગેરેએ સંપૂર્ણ મૌન લઈને જ આગળ બેસવું જોઈએ. જેથી પાછલી હરોળમાં બેઠેલા ભાઈ-બહેનો પણ શાંતિપૂર્વક સાંભળી શકે. આના જેવી મોટી પ્રભાવના બીજી કોઈ નથી.
- (૧૬) તમારી ગલી, મહોલ્લા કે કોલોનીમાં રહેતા, ઓછી આવક ધરાવતા અથવા આવકનું કોઈ સાધન ન હોય તેવા સાધર્મિક ભાઈઓ માટે થોડું ઘણું પણ ફંડ ભેગું કરીને પછી જ સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેસો, જેથી તમારું પ્રતિક્રમણ તો શોભી જ ઊઠશે; તમારું અંતર પણ આનંદ વિભોર થઈ જશે.
- (૧૭) સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેસો તે સમયે તમારી શિસ્ત અનુકરણીય હોવી જોઈએ. પૌષધશાળા પણ શાન્તિ અને વાતાવરણ શુદ્ધ રાખો જેથી તમારું સાંવત્સરિક પ્રતિક્રમણ સફળ ગણાય.
- (૧૮) પર્યુષણ પર્વ પર સ્વપ્નો, પારણા આદિ ચઢાવા બોલીને અને ભગવાન મહાવીરના જન્મ-વાંચનના સમયે ઉપસ્થિત રહીને જ તમારું કર્તવ્ય પૂર્ણ થઈ ગયું છે તેમ ન સમજો. આ બધું કરવાની સાથે જ તમે ધાર્મિક પાઠશાળાના શિક્ષક-શિક્ષિકાઓને પણ એક મહિનાનો વધારાનો પગાર આપો. દીન-દુઃખી અને અનાથોથે એક ટંકનું ભોજન આપો. માંસાહારી તથા શરાબીઓની વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરતા આપણા સાધર્મિક ભાઈઓને પાપના સંસ્કારોથી બચાવવા માટે ઉત્તમ રહેઠાણનો પ્રબંધ કરવામાં લાખો રૃપિયાનું કરેલું દાન પણ એળે જતું નથી. તેથી આપ ઉપર જણાવેલ ત્રણ કાર્યોમાં તમારું ધન લગાવીને વાર્ષિક દાનનો અનુપમ લાભ પ્રાપ્ત કરવાનો અવશ્ય પ્રયત્ન કરો.
- (૧૯) પર્યુષણ પર્વ પછી પારણા પંચમીનું સ્વામીવાત્સલ્ય કરો, ત્યારે બચેલી મિઠાઈને વેચવાની ભાવના ન રાખો. પરંતુ તમારા ગામ, નગર કે વસતીમાં રહેતા ઓછી આવક ધરાવતા શ્રાવકો તથા ગરીબ સાધર્મિકોને બે-ત્રણ દિવસ તેમના બાળ-બચ્ચા ખાઈ શકે તેટલી મિઠાઈ મફતમાં આપવાની ઉદાત્ત ભાવના રાખો. તમારા સ્વામીવાત્સલ્ય પર તો કળશ ચઢવા જેટલું પુણ્ય આપને મળશે.
- (ર૦) જૈન ધર્મને સ્થિર કરવા માટે, સ્થિર રાખવા માટે અને તેની શાનમાં વૃદ્ધિ કરવા માટે બધા જ સંપ્રદાયો, ગચ્છો તેમજ સમુદાયોમાં રાગ-દ્વેષ મુક્ત વાતાવરણ બનાવ્યા વગર કોઈ રસ્તો નથી. કારણ કે સદંતર ઊંધી દિશામાં જઈ રહી દેશની રાજનીતિના શાપને કારણે દેશની આંતરિક દશાનું અવમૂલ્યન થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં આગામી કાળ, વર્ષ કે મહિના કઈ દિશામાં જશે તેની કોઈને ખબર નથી.
- (ર૧) આપણે નમો લોએ સવ્વ સાહૂણં પદથી અઢી દ્વીપમાં વસતા સમસ્ત સાધુ-મુનિવરોને ભાવપૂર્વક વંદના કરીએ. આપણે ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્રના મુનિઓને તો જોયા પણ નથી. છતાં આપણે બેઠા બેઠા તે ક્ષેત્રોમાં સાધુ-સાધ્વીઓની પ્રશંસા કરીએ છીએ. ત્યારે આ ભરત ક્ષેત્રમાં આપણી દૃષ્ટિ સમક્ષ રહેતા પંચમહાવ્રતધારી મુનિઓ ભલે તે રાજસ્થાનના કોઈ ખૂણામાં હો કે પછી પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર અથવા બંગાળમાં હો કે પછી દિલ્હી, મુંબઈ, બેંગલોર જેવા મહાનગરોમાં હો આ બધાને જ મહાવ્રતધારી સમજીને તેમને ભાવ-વંદના અવશ્ય કરવી જોઈએ. તેમના પ્રતિ મતભેદ ન રાખીને તેમની પણ ક્ષમાપના કરીને પોતાના સમ્યકત્વને વિશુદ્ધ બનાવીએ, કારણ કે ક્ષમાપના જ પર્વાધિરાજનો અમર તથા પવિત્ર સંદેશ છે. તમે આ એકવીસ સૂત્રોને તમારા જીવનમાં અવશ્ય ઉતારો, તેમના પર અમલ કરો અને પોતાનું જીવન નિર્દોષ અને નિષ્પાપ બનાવો, એ જ મારું નમ્ર નિવેદન છે.